ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે,
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા, મારે પ્રભુ થઇ નથી પુજાવું,(2)
ધડ ધીંગાણે જેના માથા મસાણે, એનો પાળીયો થઈને પૂજાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
હોમ હવન કે જગન જાપથી, મારે નથી પધરાવું.(2)
બેટડે બાપના મોઢા ન ભાળ્યા, એવા કુમળે હાથે ખોડાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
પીળા પીતાંબર અને જરકશી જામા, મારે વાઘામાં નથી વીંટળાવું,(2)
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે, એવા સિંદુરિયા થઈને ચોપડાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
ગોમતીજી કે જમનાજીમાં મારે, નીર ગંગાથી નથી નાવું,(2)
નમતી સાંજે કોઈ નમણી વિજોગણના, ઉના ઉના આંસુડે નાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
બંધ મંદિરીયામાં બેસવું નથી મારે વન વગડામાં રે જાવું,(2)
શુરા ને શહીદોના સંગમાં રે મારે ખાંભી થઈને હરખાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
કપટી જગતના રે કુડા રે રાગથી ફોગટ નથી રે પુજાવું,(2)
મડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શુરોપુરો થઈને હરખાવું રે.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
મોહ ઉપજાવે એવી મૂર્તિમાં રે મારે ચીતરે નથી ચીતરાવું,(2)
રંગ કસુંબીના ઘુંટ્યા હૃદયમાં હવે દાદુળ શું સમજાવું ?
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.